Rama Setu: sentiments of crores of hindu, national security — Hari Desai

Rama Setu: sentiments of crores of hindu, national security — Hari Desai (Oct. 20. 2007) 

હરિ દેસાઈ ‘વર્તમાનનું વિશ્લેષણ’
કરોડો હિંદુઓને આસ્થા જ નહીં, રાષ્ટ્ર સુરક્ષાય બક્ષે છે રામસેતુ

ભારત અને શ્રીલંકા વચ્ચેનો રામસેતુ માનવનિર્મિત હોય કે કુદરતસર્જિત, એટલું તો ચોક્કસ છે કે, એ કરોડો હિંદુઓનું આસ્થાસ્થાન છે. સેતુ સમુદ્રમ્ પ્રકલ્પને કારણે રામસેતુને તોડવામાં આવે એ સામે રાષ્ટ્રવ્યાપી અજંપો નિર્માણ થયો છે. સંઘ પરિવારે રામસેતુ રક્ષા મંચના નેજા હેઠળ રાષ્ટ્રવ્યાપી આંદોલન અને વિશ્વવ્યાપી જનજાગરણ માટે સક્રિય થયો છે. ધર્મની વાત આવે એટલે રાજકીય નેતાઓની હૂકાહૂક શરૂ થવી સ્વાભાવિક છે. સંઘ પરિવારે અગાઉ એકનાથજી રાનડેના નેતૃત્વમાં વિવેકાનંદ સ્મારક માટે આંદોલન શરૂ કર્યું ત્યારે એને સર્વપક્ષી જનજાગરણ ચળવળ બનાવવાની કોશિશ કરી હતી. આજે કન્યાકુમારીના સમુદ્રમાં ઊભેલું વિવેકાનંદ સ્મારક એ રાનડેના સૌને સાથે લઈને ચાલવાના પ્રયાસોનું જ પરિણામ છે. સ્વામી વિવેકાનંદે અહીંના ખડક પર બેસીને આપેલું વ્યાખ્યાન અમરત્વ પામ્યું છે અને સૌને માટે પ્રેરક બન્યું છે. સંઘ પરિવારે વિવેકાનંદ સ્મારકની જેમ જ રામસેતુ રક્ષા ચળવળને પણ રાજકીય હુંસાતુંસીનો વિષય બનાવવો નહોતો. કમનસીબ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દે સંઘ પરિવારની ચળવળ થકી કેન્દ્રમાં સત્તાપ્રાપ્તિમાં સફળ રહેલા ભાજપના નેતાઓએ આ રાષ્ટ્રીય સુરક્ષા અને સાંસ્કૃતિક વારસાના મુદ્દાનું પણ રાજકીયકરણ કરી નાંખ્યું. મૂળ વાત વીસરાઈ જવા માંડી અને મતોનું રાજકારણ અને અનુચિત આક્ષેપબાજીમાં મામલો અટવાયો છે.

હમણાં રામસેતુ રક્ષા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. એસ. કલ્યાણરામન સાથે રામસેતુ સંદર્ભે વિગતે ચર્ચા થઈ. ધાર્મિક માન્યતાને નામે રામસેતુ પ્રકરણમાં આંધળેબહેરું કૂટાતું રહ્યું છે. જો કે કલ્યાણરામન જેવા એશિયન ડેવલપમેન્ટ બઁકમાં ૧૮ વર્ષ સુધી ઊંચા હોદ્દે રહીને ભારતીય સાંસ્કૃતિક વારસાના જતનમાં સક્રિય થતાં સમગ્ર પ્રકરણને વૈજ્ઞાનિક અને તટસ્થ ભૂમિકા પર મૂકવાનું સરળ બન્યું છે. ‘રામસેતુ માનવસર્જિત હોય કે કુદરતસર્જિત, એ કરોડો હિંદુઓની આસ્થાનું સ્થાન જરૂર છે. વળી દેશની સુરક્ષા માટે રામસેતુની અનિવાર્યતા પ્રતિપાદિત થઈ ચૂકી છે.’ કલ્યાણરામન શ્રદ્ધાની વાત જરૂર કરે છે, પણ તર્ક છોડીને નહીં. એમની આ વાત સાહજિક રીતે ગમે. વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ અશોક સિંહલે પણ તાજેતરની સેતુ સમુદ્રમ પ્રકલ્પની સમીક્ષા માટે રચાયેલી કેન્દ્રની ‘કરુણાનિધિની કહ્યાગરી સમિતિ’ને બદલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વડપણ હેઠળ નિષ્ણાતોની સમિતિ રચવાની માગણી કરી છે.

રામસેતુ વિશે આંધળેબહેરું કૂટનારાઓમાં કલ્યાણરામન નથી. એમણે ત્રણ બાબતો સ્પષ્ટ કરી. એક, કરોડો હિંદુઓની શ્રદ્ધાનો વિષય. બીજું, વિનાશક સુનામી સામે સુરક્ષાકવચ પૂરું પાડનાર રામસેતુ. ત્રીજું, દક્ષિણ ભારતની દરિયાઈ રેતીમાં ૩,૬૦,૦૦૦ ટન જેટલી થોરિયમ ડિપોઝિટ હોવાને કારણે આ ખનિજ સંપદાથી આગામી ૪૦૦ વર્ષ લગી દર વર્ષે ૪,૦૦,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની ક્ષમતા. રામસેતુને અમેરિકી અવકાશી સંસ્થા ‘નાસા’એ અમુક લાખ વર્ષ પુરાણો કહ્યાના ગબ્બારાને રામસેતુ રક્ષા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ સાચા માનતા નથી. વળી એ બહુ જ સ્પષ્ટપણે કહે છે ઃ ‘રામસેતુ બચાવીને સેતુ સમુદ્રમ્ પ્રકલ્પને હાથ ધરવાના બીજા વિકલ્પોની વાત કરનારાઓ ખોટ્ટાડા છે. રામસેતુની જાળવણી માટે સેતુ સમુદ્રમ્ પ્રકલ્પ રદ કરવો અનિવાર્ય છે.’ ડિસેમ્બર, ૨૦૦૪માં સુનામી જેવી મહાઆફતમાં લાખો માણસો માર્યા ગયાની વાસ્તવિકતા અનુભવ્યા પછી સેતુ સમુદ્રમ્ પ્રકલ્પ જ નહીં, દરિયાકાંઠાના તમામ આવા પ્રોજેક્ટને રદ કરવા માટે કલ્યાણરામને વડા પ્રધાન ડો. મનમોહનસિંહને લખ્યું પણ છે. વળી કેનેડાવાસી સુનામી નિષ્ણાત ડો. ટેડ મૂર્તિને વડા પ્રધાન ડો. સિંહ સુનામી નિષ્ણાત નિયુક્ત કરવા માટે તેમની સાથે મંત્રણાઓ ચલાવી રહ્યા હતા એ જ તબક્કે સેતુ સમુદ્રમ્ પ્રકલ્પના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર રઘુપતિ કેન્દ્ર સરકારને મૂળ તેલુગુ એવા ટેડ મૂર્તિનો સંપર્ક થઈ શકતો નહીં હોવાનો અહેવાલ પાઠવ્યાનું પણ રક્ષા મંચના વડાએ કહ્યું.

કેન્દ્રમાં ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકાર હતી એ વખતે જ સેતુ સમુદ્રમ્ પ્રકલ્પ મંજૂર કરાયો હતો. કેન્દ્રમાં મે, ૨૦૦૪માં કાઁગ્રેસના નેતૃત્વવાળી યુપીએની મનમોહન સરકારે આ પ્રકલ્પને અમલની દિશામાં આગળ વધાર્યો. ઉદ્ઘાટન વડા પ્રધાન મનમોહનસિંહ, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિની ઉપસ્થિતિમાં થયું. વાજપેયી અને મનમોહન બેઉની સરકારમાં કરુણાનિધિના દ્રમુક પક્ષના નેતા ટી. આર. બાલુ જ દરિયાઈ પરિવહન અને જહાજરાની પ્રધાન હતા. દ્રમુક જ્યારે એનડીએમાં હતો ત્યારે વાજપેયી સરકારે મંજૂર કરેલા પ્રકલ્પને મનમોહન સરકાર આગળ વધારે ત્યારે ભાજપની નેતાગીરી એનો વિરોધ કરે છે. સોનિયા ગાંધીને ભાંડે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રામસેતુ અંગે સોગંદનામું કરતી વેળા રામના અસ્તિત્વને વિશે જ પ્રશ્ન ખડો કરવાનો ભાંગરો વાટયો, પણ સોનિયાજીએ જ એ સોગંદનામું રદ કરાવવાની પહેલ કરીને કહ્યું ઃ ‘રામ એ આ દેશની આસ્થાનું સ્થાન છે અને કાઁગ્રેસ એનો આદર કરે છે.’ કરુણાનિધિએ રામ વિશે કરેલાં વિવાદાસ્પદ નિવેદનો ખૂબ ઉછાળવામાં આવ્યાં. ભાજપ સાથે દ્રમુક હતો, એનડીએનો હિસ્સો હતો ત્યારે પણ કરુણાનિધિ ‘રામને બદલે રાવણ’ને જ માનતા રહ્યા હતા. છેલ્લાં ૫૦ વર્ષથી તેઓ જ નહીં, સમગ્રપણે દ્રવિડ ચળવળ રામને નકારે છે. માત્ર સત્તાનાં રાજકારણ ખેલવાની વૃત્તિથી પ્રેરાઈને કરુણાનિધિને આજે રામવિરોધી ગણાવવામાં આવી રહ્યા છે.વાત આટલે અટકતી નથી ઃ પોતપોતાના ચૂંટણી ઢંઢેરામાં સેતુ સમુદ્રમ્ પ્રકલ્પ પૂરો કરવા માટેનું વચન આપનારા રાજકીય પક્ષોમાં કાઁગ્રેસ અને દ્રમુક જ નહીં, ભાજપ અને અન્નાદ્રમુક પણ છે. આજે ભાજપ અને અન્નાદ્રમુક રામસેતુ બચાવીને સેતુ સમુદ્ર પ્રકલ્પને પૂરો કરવાની વાત કરે છે. જો કે કલ્યાણરામનના મતે આ શક્ય નથી. આવી વાત નર્યું જુઠ્ઠાણું ઓકવા સમાન છે. એ સ્પષ્ટ કરી દે છે ઃ “અમે રાજકીય પક્ષો શું કહી રહ્યા છે એની સાથે સંબંધ ધરાવતા નથી. સેતુ સમુદ્ર પ્રકલ્પ અમેરિકી દબાણ હેઠળ આગળ વધારાઈ રહ્યો હોય ત્યારે રાષ્ટ્રની સુરક્ષા અને સાર્વભૌમત્વને માથે પણ ખતરો છે. અસુરોનું શાસન હોય અને સ્વાર્થી રાજકારણીઓની બોલબાલા હોય ત્યારે આપણી સંયુક્ત જવાબદારી વધી જાય છે.”જે મુદ્દો રાષ્ટ્રહિતનો છે એ રાજકીય વંટોળિયો બનીને ના રહે એટલું અપેક્ષિત ખરું.

http://tinyurl.com/35eoel

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: